1 Timothy 1

1ઈશ્વર આપણા ઉધ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેઓની આજ્ઞાથી થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત [અને આ પત્ર લખનાર] પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ. 2ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.

3હું [પાઉલ] મક્દોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી કે, જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કર કે, તેઓ જુદા પ્રકારની સુવાર્તાનો ઉપદેશ ન આપે, 4અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ચિત્ત ન રાખે; કેમ કે એવી વાતો ઈશ્વર તરફથી વિશ્વાસ દ્વારા મળતા ઉત્તેજનને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.

5આ આજ્ઞાનો મુખ્ય હેતુ એ છે કે શુદ્ધ હૃદયથી, સારા અંતઃકરણથી તથા પ્રમાણિક વિશ્વાસથી પ્રેમ રાખવો. 6આ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાક ભટકી જઈને નકામી વાતો કરવા લાગ્યા. 7તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી. 8પણ આપણે તો જાણીએ છીએ કે, જો તેનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો નિયમશાસ્ત્ર સારું છે.

9આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ સ્વચ્છંદીઓ તથા બળવાખોરો માટે છે. વળી તે અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ, 10વ્યભિચારીઓ, સમલૈંગિકો, અપહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ 11તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.

12મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને તેમની સેવામાં નિયુક્ત કર્યો; 13જો કે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે તે સમયે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું; 14પણ પ્રભુની કૃપા અતિશય થવાથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ [ઉત્પન્ન] થયો.

15આ વાત વિશ્વાસપાત્ર તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉધ્ધાર કરવા સારુ જગતમાં આવ્યા, તેવા પાપીઓમાં હું સૌથી દુષ્ટ છું; 16મારા પર પ્રથમ દયા થઇ કે જેથી અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમૂનારૂપ થવા સારુ મારામાં ખ્રિસ્ત ઈસુ પોતાની સર્વ ધીરજ પ્રગટ કરે. 17જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદૃશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.

18દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે; 19અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ડૂબ્યું છે. તેઓમાંના હુમનાયસ તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા છે.

20

Copyright information for GujULB